હું 24 વર્ષની યુવતી છું, મને એક બાજુનો સ્તનમાં ખુબજ દુખાવો થાય છે, શું મને કોઇ મોટી બીમારી હશે?…

સવાલ.મારી ઉંમર ૫૫ વર્ષની છે. તમે રસાયણ ચૂર્ણ એક સારું ટૉનિક છે એમ જણાવ્યું હતું. તો એ ક્યારે, કેટલી માત્રામાં અને કઈ રીતે લઈ શકાય એ વિશે જણાવશો.
જવાબ.રસાયણ ચૂર્ણ એક રસાયણ છે. રસાયણ એટલે રોગનો નાશ કરે, બુઢાપો મોડો લાવે અને જવાની ટકાવી રાખે. રસાયણ ચૂર્ણ એટલે ગળો, ગોખરુ અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરુ યુરીન સિસ્ટમ માટે સારું છે અને પેશાબ સાફ લાવે છે. તાજેતરમાં પુરવાર થયું છે કે એમાં નેચરલ પુરુષ-હોર્મોન (ટેસ્ટોસ્ટેરોન) પણ છે. આમળાં વાત, પિત્ત અને કફ ત્રણેય દોષનો નાશ કરનારું ઉત્તમ સત્ત્વ છે એટલે જવાનથી માંડીને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ એ લઈ શકે છે. આ ચૂર્ણ દિવસમાં એક ચમચી નરણા કોઠે લીધું હોય તો બસ છે. ઋષિ વાત્સ્યાયનના મત પ્રમાણે જવાની ૧૭ વર્ષથી શરૂ થાય છે અને ૭૦ વર્ષે પૂરી થાય છે.
સવાલ.હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્ત-મૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.
જવાબ.સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હસ્ત-મૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.
સવાલ.મારી ઉંમર ૪૨ વર્ષની છે. હું મિડલ ક્લાસનો ગુજરાતી માણસ છું. મારે એ જાણવું છે કે પુરુષમાંથી સ્ત્રી બનવું શક્ય છે કે નહીં અને જો શક્ય હોય તો કેટલો ખર્ચ થાય?
જવાબ.ઘણી વ્યક્તિઓમાં એવું બનતું હોય છે કે તેમનું શરીર સ્ત્રીનું હોય, પણ ભગવાને કદાચ ઉતાવળમાં તેમનામાં દિમાગ પુરુષનું મૂકી દીધું હોય. આવી અવસ્થામાં વ્યક્તિ ખૂબ જ બેચેની અનુભવે છે અને એના ઉપાયના વિકલ્પ તરીકે જાતિબદલના ઓપરેશનને છેલ્લે મૂકી શકાય.પુરુષમાંથી સ્ત્રી બનવું સહેલું નથી, પણ ડૉક્ટર મહેનત કરે તો બનાવી શકાય છે. જોકે પુરુષમાંથી સ્ત્રી બનતાં પહેલાં સાઈકિયાટ્રિસ્ટને મળવું પડે. તે તમારી માનસિક સ્થિતિ બરાબર છે કે નહીં એ લાગલગાટ તપાસ કરી પછી તમારો કેસ કોઈ સારા પ્લાસ્ટિક સર્જયને સુપરત કરી શકે. એમાં એક નહીં પણ બે સાઈકિયાટ્રિસ્ટને બતાવવું પડે.
ઘણી વાર જો વ્યક્તિ કોઈ પ્રકારની માનસિક અસ્વસ્થતા અનુભવતી હોય તો પણ તેને પોતાની જાતિ બદલવાનો વિચાર આવતો હોય છે. સારો પ્લાસ્ટિક સર્જયન જનરલ હોસ્પિટલમાં જાતિ બદલવાનું ઓપરેશન કરી શકે છે.ઓપરેશન પછી વ્યક્તિ સ્ત્રી જેવું વ્યક્તિત્વ પેદા કરી શકે છે, પણ બાળક પેદા કરવાની ક્ષમતા નથી આવી શકતી. આ એક ખર્ચાળ ઓપરેશન છે અને એ બેથી ત્રણ સ્ટેજમાં કરવામાં આવે છે. આ ઓપરેશન માટે સર્જયન કુશળ, કાબેલ અને ઈમાનદાર હોવાનું બહુ આવશ્યક છે.
ઓપરેશન કરાવતાં પહેલાં ડોક્ટર પાસેથી એ માહિતી જાણી લેવી જોઈએ કે ઓપરેશન કેવું હશે અને ઓપરેશન પછીની અવસ્થા તમારા માટે કેવી હશે. એ બધું બરાબર સમજી-વિચારીને પછી જ આગળ વધવું જોઈએ, કારણ કે આ ઓપરેશન એક વખત થઈ ગયા પછી એ પર્મેનન્ટ હોય છે. પુરુષમાંથી સ્ત્રી થઈ ગયા પછી પાછું પુરુષ થવું લગભગ અશક્ય છે. પુરુષમાંથી સ્ત્રી થવાનું ઓપરેશન કઠિન છે, પણ સ્ત્રીમાંથી પુરુષમાં રૂપાંતર કરવું વધુ કઠિન છે.
સવાલ.હું અને મારો સહકાર્યકર એકબીજાને પ્રેમ કરીએ છીએ. મારો સહકાર્યકર ડિવોર્સી છે. અમે આમ તો એકબીજા સાથે ખુશ છીએ પણ ઘણીવાર અજાણતા હું એવું કંઇક કરી નાખું છું કે તે બહુ જ અપસેટ થઇ જાય છે. અમારા સંબંધને ટકાવી રાખવા માટે શું ધ્યાન રાખવું જોઇએ?.
જવાબ.તમે જ્યારે કોઇ એવા પુરુષ સાથે પ્રેમસંબંધમાં હો જેના છૂટાછેડા થઈ ગયા છે ત્યારે મામલો વધારે સંવેદનશીલ બની જાય છે. આ પુરુષ સાથે ટકી રહેવા માટે ધીરજની જરૂર હોય છે કારણ કે તે પહેલાથી જ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો હોય છે.તે પુરુષ માનસિકરીતે થોડો કંટાળી ગયો હોય છે. જો તમને તે પુરુષના નિષ્ફળ સંબંધ વિશેની જાણકારી હોય તો તેને આ છૂટાછેડા વિશે વધુ સવાલો પૂછવા જોઈએ નહીં. કારણકે જૂની વાતો યાદ કરીને તે પણ કદાચ વધારે દુ:ખી થઈ શકે છે.
આ સિવાય પુરુષની પૂર્વ પત્ની સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નહીં. કારણકે આ પ્રકારની સરખામણી કરીને તમને કોઈ ફાયદો થશે નહીં. જે પુરુષના છૂટાછેડા થઈ ગયા છે તેની સાથે ડેટ કરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના પૂર્વ પત્ની સાથેના સંબંધો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા છે કે નહીં.તમે આ રિલેશનશિપને આગળ વધારતા પહેલા થોડો સમય લઈ શકો છો.
તમે તેની સાથે વાતચીત કરીને એવું જાણવાના પ્રયાસ કરો કે તમારી સાથે તે કેવા પ્રકારના ભવિષ્યની આશા રાખે છે. શું તે તમારી સાથે લગ્ન કરવા માગે છે? આ રિલેશનશિપને લઈને તે કેટલો ગંભીર છે તે જાણવું પણ જરૂરી છે. જો તમે છૂટાછેડા લીધેલા પુરુષને ડેટ કરી રહ્યા છો ત્યારે મિત્રો અને પરિવારનાં સભ્યોની નારાજગી સહન કરવા માટે માનસિકરૂપે તૈયાર રહો કારણ કે તેઓ ખુશ નહીં થાય એ સ્વાભાવિક છે. આખરે તમારું દિલ જે કહે છે તેવું તમારે કરવું જોઈએ.
સવાલ.હું 24 વર્ષની યુવતી છું. હું આમ તો સ્વસ્થ છું પણ મને ક્યારેય બ્રેસ્ટમાં અસહ્ય પીડા થાય છે. શું મને કોઇ મોટી બીમારી હશે?.
જવાબ.બ્રેસ્ટ પેઈન માટેનું કારણ જીવનના અનેક તબક્કે અલગ અલગ હોઇ શકે છે. કોઈ પણ સ્ત્રી પ્રથમ વખત ટીનએજના દિવસોમાં સ્તનની પીડા અનુભવે છે કારણ કે તે સમયે શરીરમાં હોર્મોનલ પરિવર્તન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું હોય છે. આ સિવાય પીરિયડ્સ શરૂ થયા પછી દર મહિને શરીરમાં થતા હોર્મોનલ પરિવર્તનને કારણે પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. જે યુવતીઓના પીરિયડ્સમાં કોઇ સમસ્યા હોય તેમને આ તકલીફ વધારે થાય છે. આ વિશે તમારે ગાયનેકોલોજિસ્ટ સાથે ચર્ચા કરવી જોઇએ અને દવા લેવી જોઇએ.જો સ્તનમાં બહુ પીડા થતી હોય તો સરસવનાં તેલમાં લસણની 3 કળી, બે ચપટી અજમો અને થોડા મેથી દાણા નાંખીને ગરમ કરો.
જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી તેને ઠંડું થવા દો અને પછી હળવા હાથે બ્રેસ્ટ ઉપર માલિશ કરો. આનાથી ફાયદો થઇ શકે છે. સ્તનમાં પીડા થવાનાં બીજાં કેટલાંક કારણો હોઇ શકે છે. યોગ્ય સાઈઝની બ્રા ન પહેરવાથી પણ બ્રેસ્ટ પેઈન થઇ શકે છે કારણ કે ચુસ્ત બ્રા પહેરવાથી ત્વચા અને સ્નાયુઓ સતત દબાણમાં રહે છે. ઓવર-સાઇઝની બ્રા પહેરવાથી માંસપેશીઓને જરૂરી સપોર્ટ નથી મળતો જેના કારણે પીડા વધી શકે છે. તેથી બ્રા પસંદ કરતી વખતે હંમેશાંં તમારા સાચા કદને ધ્યાનમાં રાખો.
મેનોપોઝ સમયે પણ સ્ત્રીઓને બ્રેસ્ટ પેઈન પણ થઈ શકે છે કારણ કે આ સમય દરમિયાન ફરી એક વાર મહિલાઓનાં શરીરમાં ઘણાં અંતરસ્ત્રાવીય બદલાવ થઈ રહ્યા છે. આ કારણે સ્તનો ખૂબ સંવેદનશીલ બને છે. જે મહિલાઓ ચા, કોફી, સોડા અને આલ્કોહોલનું સેવન વધારે પ્રમાણમાં કરે છે તેમને ઘણી વાર સ્તનનો દુખાવો, ભારેપણું, વધારે સંવેદનશીલતાની સમસ્યા થઈ શકે છે. જે મહિલાઓ લાંબા સમયથી એન્ટિડિપ્રેસન્ટ દવાઓ લેતી હોય છે તેમને પણ ઘણી વાર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે પણ આનું પ્રમાણ બહુ ઓછું હોય છે.