કેમ આ મુઘલ બાદશાહની કબર શોધી રહી છે મોદી સરકાર?.જાણો શુ છે કારણ..

શાહજહાંના મોટા પુત્ર અને રાજકુમાર દારા શિકોહને તેના નાના ભાઈ ઔરંગઝેબ દ્વારા સત્તાના સંઘર્ષમાં મારી નાખવામાં આવ્યો હતો. હવે તેમના મૃત્યુના લગભગ 350 વર્ષ બાદ મોદી સરકાર તેમની કબર શોધી રહી છે.
આ માટે પુરાતત્વવિદોની એક કમિટી પણ બનાવવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે મુઘલ શાસકો પર વિવિધ સવાલો ઉઠાવનાર ભાજપ દારા શિકોહમાં આટલો રસ કેમ લઈ રહી છે.
હકીકતમાં, રાજકુમાર દારાશિકોહ ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ ઉદાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેઓ હિંદુ ધર્મથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે બનારસના પંડિતોની મદદથી હિંદુ ધર્મના ઉપનિષદોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો.
આ અનુવાદ યુરોપમાં પહોંચ્યો હોવાનું કહેવાય છે અને તેનું લેટિનમાં ભાષાંતર થયું હતું, જેના પછી સમગ્ર વિશ્વને ઉપનિષદોની જાણ થઈ હતી.
માત્ર હિંદુ ધર્મ જ નહીં, દારા શિકોહના જૈન ધર્મ, બૌદ્ધ, મુસ્લિમ સૂફી અને ખ્રિસ્તીઓ જેવા અન્ય ધર્મો સાથે પણ ઊંડી ધાર્મિક ચર્ચા કરી હતી. તેમને ફિલસૂફી, સૂફીવાદ અને આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો.
ઘણા ઈતિહાસકારો, ખાસ કરીને હિંદુત્વ ઈતિહાસકારો અને બુદ્ધિજીવીઓ માને છે કે જો ઔરંગઝેબને બદલે દારા શિકોહ ભારતનો સમ્રાટ બન્યો હોત તો ભારતનો ઈતિહાસ અલગ હોત.
મુઘલ સિંહાસન માટે સંઘર્ષ દારા શિકોહ શાહજહાંનો સૌથી મોટો પુત્ર હતો. મુઘલ પરંપરા અનુસાર તેમને તેમના પિતાની ગાદી પર બેસવાનું હતું પરંતુ એવું ન થયું.
સત્તા સંઘર્ષમાં, તેમને તેમના નાના ભાઈ ઔરંગઝેબના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઔરંગઝેબના આદેશ પર દારાને કેદ કરવામાં આવ્યો અને બાદમાં તેને ફાંસી આપવામાં આવી.
દારા શિકોહની કબર ક્યાં હોઈ શકે?.મોટાભાગના નિષ્ણાતો માને છે કે દારા શિકોહના મૃતદેહને દિલ્હીમાં હુમાયુના મકબરામાં દફનાવવામાં આવ્યો હતો.
દારાનું માથું કાપીને આગરામાં શાહજહાં સમક્ષ રજૂ કરવામાં આવ્યું. એવું માનવામાં આવે છે કે દારાનું માથું તાજમહેલના પ્રાંગણમાં દફનાવવામાં આવ્યું હતું.