બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારમાં પડશે મુશળધાર વરસાદ….

ગુજરાતમાં ગઈકાલે બપોર બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ પછી ડાંગના સુબીરમાં ત્રણ ઈંચ, સુરતના ઓલ્ડામાં 2 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 2.5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 2.5 ઈંચ, ડાંગમાં 2.5 ઈંચ, સુરતના ઉમરપરા, અમરેલીના બગસરા, ધારી અને જૂનાગઢના કેશોદમાં વરસાદ પડ્યો હતો.
જ્યારે પોરબંદર, સુરતના પલસાણા, જૂનાગઢના માંગરોળ, જામનગરના કાલાવડ, અમરેલીના સાવરકુંડલા, ડાંગના વઘઈ, તાપીના ઉચ્છલમાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.પોરબંદર અને વડોદરા વચ્ચે રોકાઈ ગયેલું દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ આગળ વધવાનું બાકી છે.
પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઉભી થવાને કારણે આગામી 5 દિવસ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગાહી મુજબ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં પૂર્વ-મધ્ય દિશામાં સાયક્લોનિક સરક્યુલેશન છે. જેના કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાંથી દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ફરી એકવાર સારા વરસાદની શક્યતા પ્રબળ બની છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે ગુજરાત ઉપરાંત ગોવા, કર્ણાટક, કોંકણ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આગામી 5 દિવસ સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં વધુ વરસાદ પડશે. આજે સાંજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં નોંધાયો હતો. ખાંબામાં 3 ઈંચ, રાણાવમાં 2 ઈંચ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ, બોડેલીમાં 1.5 ઈંચ, પોરબંદરમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
નખત્રાણા, મહુવામાં 1 ઇંચ અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે.રાજ્યમાં મેઘરાજાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે. ત્યારે આગામી 2 દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.આગામી 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ,નવસારી ,તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર્ના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે અત્યાર સુધી 3 ઈંચની આસપાસ વરસાદ નોંધાવવો જોઈએ પરંતુ અત્યાર સુધી સરેરાશ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.