એક એવો દેશ જ્યાં દર વર્ષે 600 કરોડ વંદાઓનું ઉત્પાદન થાય છે, આ દેશનું નામ સાંભળીને તમે રહી જશો દંગ જાણો.
આજે જગતમાં માનવોની વસતી ૭૫૯ કરોડની છે. ચીનની એક ફેક્ટરી દર વર્ષે ૬૦૦ કરોડ વંદા ઉછેરે છે. આ તો એક જ ફેક્ટરીની વાત છે. ચીનમાં વંદા ઉછેરનારા ઓછા નથી. એક મહિલા પોતાના ઘરમાં જ વર્ષે ૧,૦૦,૦૦૦ વંદા ઉછેરે છે. સરવાળો કરવો હોય તો અંદાજ મૂકી શકાય કે ચીનમાં ૮૦૦ કરોડ વંદા દર વર્ષે ઉછેરવામાં આવતા હશે. કુલ માનવ વસતી કરતાંય વધારે. આમ તો આ સિવાય પણ વિશ્વમાં વંદાની વસતી માણસો કરતાં અનેકગણી વધારે જ છે.
જગતમાં કોઈ ઘર એવું નથી જ્યાં ઓછામાં ઓછા એક-બે ડઝન વંદા ન વસતા હોય. ૪૬૦૦ જાતના વંદા વિશ્વમાં થાય છે. એમાંથી માત્ર ૩૦ જાતના વંદા જ આપણી આસપાસ જોવા મળે છે. એમનીય સંખ્યા માણસોની વસતી કરતાં ઓછામાં ઓછી ૧૦ ગણી આંકવામાં આવે છે. બાકીના ૪,૫૭૦ જાતિના વંદા નિર્જન વિસ્તારોમાં વસે છે. વંદા ન હોય એવું વિશ્વનું કોઈ ઘર નથી. બરફીલા ધ્રુવપ્રદેશોમાં પણ વંદા વસે છે. વૈજ્ઞાનિક અંદાજ છે કે વંદાની વસતી માનવવસ્તી કરતાં ૮૦ ગણી છે.
આપણે આ ધરતી ઉપર વસતા નહોતા ત્યારથી એટલે કે ૩૦ કરોડ વર્ષથી વંદા આ ધરતી પર વસે છે. બધાં પ્રાણીઓ જુદા જુદા તબક્કે નાશ પામ્યાં પણ વંદા નાશ પામ્યા નથી. કુદરતે એનું શરીર એવું ટકાઉ બનાવ્યું છે કે પૃથ્વી પર માનો કે અણુ-યુદ્ધ થઈ જાય અને બધા જ જીવ નાશ પામે, આપણે માનવો સમૂળ નાશ પામીએ તો પણ વંદા જીવતા રહેશે.
વંદાનો નાશ કરવા માટે જાતજાતની દવાઓ શોધાતી રહી છે. ઘેર ઘેર એનો ઉપયોગ પણ થતો રહે છે પરંતુ વંદા ધીમે ધીમે એ દવાઓ પચાવતાં શીખી જાય છે. વિજ્ઞાનીઓએ અનેક જંતુનાશકો શોધ્યા. એ બધાને એકબીજા સાથે મિશ્રણ કરીને નવા નવા જંતુનાશકો બનાવ્યા. વંદા દરેક નવા જંતુનાશકથી નાશ પામતા હતા.
પરંતુ થોડાં વર્ષમાં એ જંતુનાશક વંદા માટે નકામું બની જતું હતું. કુદરતે વંદાને એવું વરદાન આપ્યું છે કે એ અણુયુદ્ધ પછીનાં જીવલેણ વિકિરણો પણ સહન કરી જશે. તો જંતુનાશકો એની સામે શું વિસાતમાં? હવે નવી જાતના જંતુનાશક વિકસાવી શકાય એમ નથી. એની હદ આવી ગઈ છે. અને લગભગ બધા જ જંતુનાશકોને વંદા પચાવતાં શીખી ગયા છે.
ગયા મહિને જ પૂરો થયેલો અભ્યાસ કહે છે કે થોડાં વર્ષમાં એવી સ્થિતિ સર્જાઈ જશે કે વંદાની વસતી નિયંત્રણમાં રાખવાનું આપણી પાસે કોઈ સાધન, કોઈ ઉપાય નહીં હોય. આ અભ્યાસ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશો સહિત વિશ્વના સોથી વધારે દેશોના વંદા ઉપર કરવામાં આવ્યો હતો.
વંદાની એક માદા માત્ર ત્રણ મહિનામાં ૫૦ બાળકોને ઉછેરી લે છે. સંતાનોત્પત્તિના આ દરે ગણીએ તો એક વર્ષમાં એક વંદા-માદાના ૧ કરોડ વંદા-વારસો જગતમાં ફરતા થઈ જાય! એટલું ઓછું હોય એમ ચીનની એક ફેક્ટરી દર વર્ષે ૬૦૦ કરોડ વંદા ઉછેરે છે! ખાનગી ધોરણે નાના પાયે (ઘર દીઠ ૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ના ધોરણે) ઉછેરવામાં આવતા વંદા જુદા.
આખી દુનિયાના માનવોની વસતી જેટલી મોટી સંખ્યામાં વંદા ઉછેરવાનું કામ ભગવાન બનવા જેટલું અઘરું છે. એટલે ચીની નિષ્ણાતોએ આ કામ માનવોના ભરોસે નથી છોડયું. એ લોકો આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. અહીં વંદાઓની તબિયતનું ધ્યાન રાખવા માટે વંદાઓના શારીરિક બંધારણ અને આરોગ્યના જાણકાર એવા સેંકડો નિષ્ણાત તબીબો કામ કરે છે.
આપણને સવાલ થાય કે આવા ચીતરી ચઢે એવા જંતુઓ ચીનમાં સેંકડો કરોડના હિસાબે શું કામ ઉછેરતા હશે? જવાબ વંદાના શરીરમાં કુદરતે નિરૂપેલા અદ્ભુત ગુણ છે. આપણે વંદાને મોટેભાગે સિન્કના પાઈપ, ટોઇલેટ-બાથરૂમ જેવી ગંદી અને ગંધાતી જગ્યાએ જ જોઈએ છીએ, એટલે આપણને તેના માટે ચીતરી ચઢે છે, પરંતુ કુદરતે એના શરીરમાં જે ખૂબીઓ ઠાંસી ઠાંસીને ભરી છે એમાંથી માત્ર ૧૦ ટકા પણ આપણા શરીરમાં હોત તો આપણે બધા અમર થઈ ગયા હોત, ભગવાનને પણ ન માનતા હોત!
આ ખૂબીઓએ જ ચીનના નિષ્ણાતોને પ્રેરણા આપી છે કે વંદાઓનું જથ્થાબંધ ઉત્પાદન કરવામાં આવે. કહેવાય વંદા ઉછેર-કેન્દ્ર, પરંતુ અહીંની વ્યવસ્થા જોઈએ તો અક્કલ ચકરાવે ચડી જાય. રમતગમતનાં બે મેદાન જોડો એટલા મોટા વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.
એમાં દર ચોરસ ફૂટ જગ્યામાં સરેરાશ ૨૮,૦૦૦ પુખ્ત વંદા હોય છે. બચ્ચાં જુદાં. આર્િટફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા દરેક વંદાનું ધ્યાન રાખવામાં આવે છે. આ વાત તો ટાઢા પહોરનું ગપ્પું જ લાગે, પરંતુ ચીનમાં ટેક્નોલોજી આપણી કલ્પના કરતાં ખૂબ આગળ વિકસી છે.
આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ચીનનું જાસૂસી કેન્દ્ર દેશના ૧૩૦ કરોડ નાગરિકોના ચહેરા, ગણતરીની સેકન્ડ્સમાં ઓળખી લે છે. આવી જ સિસ્ટમ વંદા ઉછેરકેન્દ્રમાં પણ લગાવવામાં આવી છે. તેની મદદથી દરેક વંદાને ઓળખી શકાય છે, તપાસી શકાય છે.
એ માંદો પડયો છે એવું લાગે તો એ આખો વિભાગ એટલે કે ૨૮,૦૦૦ વંદાને જુદા પાડી એની સારવાર કરવામાં આવે છે અથવા એમનો નાશ કરવામાં આવે છે. આ મસમોટું કારખાનું ચીનની સરકાર ચલાવે છે. ચીનની સરકારે આવું મોટું કેન્દ્ર શા માટે ચલાવવું જોઈએ અને એના ફાયદા કેટલા છે તથા જોખમો કેટલાં છે એની વાત આવતા અઠવાડિયે કરીશું.