વડોદરામાં બૂટલેગરનો વીડિયો વાઇરલ:’મારે ત્યાં બિનધાસ્ત દારૂ લેવા આવો’

વડોદરામાં બૂટલેગરનો વીડિયો વાઇરલ:’મારે ત્યાં બિનધાસ્ત દારૂ લેવા આવો’ • વડોદરાના કારેલીબાગ બાળ રિમાન્ડ હોમ પાછળ વિશ્વામિત્રી નદીના કચરામાં નામચીન બૂટલેગર હુસૈન સિંધીએ છુપાવેલી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી હતી અને તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી હતી. પોતાનો દારૂ પકડાતાં સમસમી ઊઠેલા હુસેને પોલીસ પર આરોપ લગાવ્યા હતા કે ‘મારે ત્યાં બિનધાસ્ત દારૂ લેવા આવો, તમને કોઈ નહીં પકડે, પીઆઇની પણ 50 ટકા ભાગીદારી છે, તમને હોમ ડિલિવરી પણ મળશે’

કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન. મહીડાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં હુસૈનને ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો. વિદેશી દારૂની 29 બોટલ પકડી પાડી હતી અને આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ ધરપકડથી બચવા માટે હુસૈન પોલીસ સામે ખોટા આક્ષેપો મૂકી રહ્યો છે, જેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસને બાતમી મળી હતી કે બાળ રિમાન્ડ હોમ પાછળ રહેતો નામચીન હુસૈન કાદરમિયા સુન્ની તેના ઘેર આવ્યો છે અને તેણે વિશ્વામિત્રીના કચરામાં દારૂની બોટલો છુપાવેલી છે, જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડામાં દારૂની 29 બોટલ મળી આવી હતી.

જોકે હુસૈન સિંધી ફરાર થઇ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી હતી. બીજી તરફ પોતાનો દારૂ પકડાતાં ટ્રેનની સીટ પર બેસીને હુસૈને વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો, જેમાં તેને ત્યાં દારૂ મળશે અને દારૂની હોમ ડિલિવરી પણ થશે એમ જણાવી પોલીસ પોતાની સાથે હોવાનું જણાવી આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દારૂ પકડાતાં બૂટલેગરો દ્વારા પોલીસ પર ભાગીદારી, હપતાબાજી, માર મારવા જેવા આક્ષેપ કરતા હોય છે, જેમાં વોન્ટેડ બૂટલેગર હુસૈને કારેલીબાગ પોલીસ પર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં ચકચાર મચી ગઈ છે, જોકે પોલીસ તંત્ર માટે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ થયો છે.

Exit mobile version