આ આંટીને ક્યારેય માસિક આવ્યું નથી, તેના કારણે એકલા પડી ગયા, જાણો આખી વાત

સત્તાવાર આંકડા જણાવે છે કે એકલી મહિલાઓની સંખ્યા વર્ષોવર્ષ વધી રહી છે. એકલી મહિલાઓ એવી સ્ત્રીઓ છે, જે પરિવાર અને સમાજના ટેકા વિના પોતાનું જીવન જીવવાના પ્રયાસ કરે છે.મહારાષ્ટ્રના મરાઠવાડાનાં ચિત્રા પાટિલ જીવનમાં ભારે તણાવ તથા પીડાનો સામનો કર્યા બાદ ફરી બેઠાં થયાં છે.

ચિત્રા પાટિલ સાતમા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યાં સુધી તેમના જીવનમાં બધું બરાબર ચાલતું હતું. પિતાએ એક દિવસ અચાનક ચિત્રાનાં લગ્નનો નિર્ણય કર્યો હતો.આજે નિર્ણય અને કાલે તેનો અમલ થવો જોઈએ એવો હુકમ પિતાજીએ કર્યો હતો. માત્ર બાર વર્ષની વયે ચિત્રાનાં મન પર પહેલો ફટકો પડ્યો હતો. ઘરમાં બે નાની બહેનો હતી. સૌથી નાનો હતો ભાઈ.

સૌથી મોટું સંતાન હોવાને કારણે ભાઈ-બહેનોની આંશિક જવાબદારી ચિત્રા પર જ હતી.ચિત્રાનાં મા આખો દિવસ ખેતરમાં કામ કરતાં અને પિતા ખેતરમાં ઓછા અને જુગારના અડ્ડા પર વધુ હાજર રહેતા હતા.વ્યસનના ગુલામ પિતા તેમની દીકરીની જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છતા હતા. પોતાની પાસેની દસ એકર જમીનમાંથી બે એકર જમીન દીકરીના દહેજરૂપે આપવા તેઓ તૈયાર હતા.

પહેલો માનસિક આઘાત

એ સમયે ચિત્રાની ઉમર પણ થઈ ન હતી. પહેલાં લગ્ન કરી નાખીએ અને એક-બે વર્ષમાં માસિક આવતું થશે પછી દીકરીને સાસરે મોકલી આપીશું એમ વિચારીને પિતા લગ્નની ઉતાવળ કરતા હતા.ચિત્રાનો ભાવિ પતિ તેનાથી લગભગ બમણી વયનો હતો અને ચિત્રાનાં બાળવિવાહનો તેનાં દાદી તથા દાદા વિરોધ કરતા હતા.આ મુદ્દે ઘરમાં જોરદાર ઝઘડો થયો હતો અને દાદીએ ચિત્રાને તેનાં લગ્નના દિવસે ખેતરમાં છૂપાવી દીધી હતી. લગ્ન સવારે થવાના હતા, પણ તેને શોધતાં સાંજ પડી ગઈ હતી અને ચિત્રા 11 વર્ષનાં હતા ત્યારે જ તેમનાં લગ્ન થઈ ગયા.

નક્કી થયા પ્રમાણ ચિત્રા પિતાના ઘરે જ રહેવાનાં હતાં. કોઈ તહેવાર કે પ્રસંગ હોય ત્યારે ચિત્રાને સાસરે લઈ જવામાં આવતાં હતાં અને એ પૂર્ણ થાય ત્યારે પિતાના ઘરે પરત મોકલી આપવામાં આવતાં હતાં.એ રીતે બે-ત્રણ વર્ષ પસાર થઈ ગયાં પણ માસિક શરૂ થયું નહીં. ગામમાં સગાં-સંબંધીઓએ કાનાફૂસી શરૂ કરી. માસિક શરૂ થાય એ માટે ખાનગી દવાખાનામાં જઈને એક વર્ષ સુધી ઉપચાર કરાવ્યો, પરંતુ માસિક આવવું શરૂ થયું નહીં.સાસરિયાંનું આવવાનું ધીમેધીમે બંધ થઈ ગયું. જોકે, ચિત્રાનો અભ્યાસ અટક્યો ન હતો.

દસમા ધોરણનું વર્ષ શરૂ થવાનું હતું ત્યારે સખીઓ પૂછતી હતી કે તને હજુ સુધી માસિક આવવું કેમ શરૂ થયું નથી? માનસિક તાણ, લોકોના ટોણાં, સતત તાકતી રહેતી નજરો જોઈને ચિત્રા વધારે પરેશાન થઈ ગયાં હતાં.એ વખતે તેમને ખબર પડી હતી કે તેમના પતિએ બીજાં લગ્ન કરી લીધાં છે. આ વાત ચિત્રા માટે જોરદાર આઘાત સમાન હતી.ચિત્રા કહે છે, “મને ત્યારે સમજાયું હતું કે માસિક ન આવે તો સ્ત્રી સંતાનોને જન્મ આપી શકતી નથી અને વંશને આગળ ન વધારી શકે એવી સ્ત્રીની સમાજમાં કોઈ કિંમત નથી.

(મહારાષ્ટ્રના) ગ્રામ્ય વિસ્તારોમાં આવી સ્ત્રીને ‘કણકવર’ કહેવામાં આવે છે. માસિક આવતું હોય તો જ તેનું અસ્તિત્વ હોય, એ જાણીને આંચકો લાગ્યો હતો. ખરેખર હું ખુદને વિવાહિત સમજતી હતી, પણ સૌભાગ્યવતી સ્ત્રીઓનાં કાર્યક્રમોથી લોકો મને દૂર રાખવા લાગ્યા હતા.”બીજા લોકો જ નહીં, સગાં-સંબંધી પણ ટોણાં મારવાનું ચૂકતા ન હતા. એ સમયે ચિત્રાને આપઘાત કરવાના વિચાર આવતા હતા.

‘ઘર પર બોજારૂપ હોવાની લાગણી’

ચિત્રા પાટિલ હવે 36 વર્ષનાં થયાં છે. ગત 20 વર્ષોમાં તેમણે અનેક પ્રસંગે માનસિક તાણ અને વસવસાનો સામનો કર્યો છે.ચિત્રા કહે છે, “આત્મહત્યાના વિચાર સતત આવતા હતા. મારું ભણતર રોકાયું હોત તો મારું કોઈ અસ્તિત્વ જ ન હોત. મારા નસીબમાં જ આવું કેમ, એવું વિચારીને હું જાતને દોષ આપતી હતી.”

“ઓપન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ, કારણ કે હું ઘર પર બોજ બનીને રહેવા ઈચ્છતી ન હતી. ઘરમાં સતત મહેણાં-ટોણાં સાંભળવા પડતા હતાં.”ચિત્રાનાં બધાં ભાઈ-બહેનોનાં લગ્ન થઈ ગયાં એટલે ચિત્રાને એવું લાગવા માંડ્યું કે તેઓ ઘર પર બોજ બની ગયાં છે. પોતે સાસરિયામાં પણ નથી અને પિયરમાં પણ નથી એવું સમજીને ચિત્રાએ નોકરી કરવાનો નિર્ણય લીધો હતો.ચિત્રા 2009થી સ્વાસ્થ્ય કાર્યકર્તા એટલે કે આશા વર્કર તરીકે કામ કરી રહ્યાં છે, પણ વસવસાએ તેમનો પીછો છોડ્યો નથી. ચિત્રા કહે છે, “જીવનમાં કોરો સંસ્થા આવી અને ખુશહાલીની દિવસો દેખાવા લાગ્યા.”

કોરો નામની સંસ્થા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના સશક્તિકરણનું કામ કરે છે. કોરોના માધ્યમથી 2016થી અત્યાર સુધીમાં મરાઠવાડામાં 16,000 મહિલાઓનું નેટવર્ક તૈયાર થયું છે. કોરો જેવાં અન્ય સંગઠનો પણ પાછલા પાંચ વર્ષોમાં હજારો મહિલાઓ સુધી પહોંચ્યાં છે.એકલ મહિલા સહાયતા પરિષદ હેઠળ આજે મહારાષ્ટ્રમાં 16 સંગઠનોને જોડવામાં આવ્યાં છે.

કોરોમાં એકલી મહિલાઓના સંઘના સંયોજક રામ શેલકે કહે છે, “હાઈ બ્લડપ્રેશરને કારણે એક મહિલાએ રોજ દવાની ગોળી લેવી પડતી હતી, પણ અન્ય મહિલાઓ સાથે જોડાયાં બાદ તેમની માનસિક પરિસ્થિતિમાં સુધારો થયો છે અને એકલા હોવાની લાગણી પણ રહી નથી.”

“છેલ્લા પાંચ વર્ષમાં અમે આવાં અનેક ઉદાહરણ જોયાં છે.”

રામ શેલકે માને છે કે એકલી મહિલાને મદદ મળી રહે એટલા માટે તેમની ગ્રામ પંચાયતમાં નોંધણી થવી જોઈએ.ચિત્રાએ તેમના જીવનમાંની પ્રત્યેક મુશ્કેલીને હરાવી છે. માત્ર ગામના લોકોએ જ નહીં, પરિવારના લોકોએ પણ તેમના ચારિત્ર્યહનનના અનેક પ્રયાસ કર્યા હતા. આજે ચિત્રા તેમના પિતાના ઘરમાં રહેતાં નથી. તેમણે પોતાની કમાણીમાંથી ખુદનું ઘર ખરીદ્યું છે.ચિત્રા તેમના જેવી મહિલાઓ માટે આધાર બની ગયાં છે. ચિત્રા કહે છે, “જેમણે મારી સાથે છળ કર્યું છે તેમને હું ઘર શા માટે આપું? મેં મારા જેવી મહિલાઓ માટે આ ઘર બનાવ્યું છે. અમે એકલાં છીએ, પણ વિખેરાયેલાં નથી.”

અવિવાહિત, વિધવા, ત્યક્તા અને છૂટાછેડા થયા હોય એવી સ્ત્રીઓનો એકલી મહિલાઓમાં સમાવેશ થાય છે.નશાબાજ પતિ, છેતરપિંડીથી થયેલાં લગ્ન અને ઘરમાં મારપીટ સહિતનાં અનેક કારણસર સ્ત્રીઓને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે.આવી મહિલાઓને સમાજમાં વિવિધ સ્તરે એકલી પાડવામાં આવે છે. શરૂઆતમાં તેમને માનસિક રીતે મંદ માનવામાં આવે છે. પછી તેમને પરિવાર તથા સમાજથી વંચિત રાખવામાં આવે છે.સૌથી મહત્વની વાત એવી મહિલાઓની આર્થિક ક્ષમતાની હોય છે. પરિવારની સંપત્તિમાં તેમને કોઈ હિસ્સો મળતો નથી.

મરાઠવાડાના મનોચિકિત્સક ડો. મિલિંદ પોતદારના જણાવ્યા અનુસાર, એકલી મહિલાઓમાં ચિંતા (anxiety) અને ઉદાસીનતા(depression)ની સમસ્યા જોવા મળે છે. એકલી મહિલાઓની મનોસ્થિતિ વિશેના અભ્યાસને આધારે ડો. પોદ્દારે કેટલાંક તારણ કાઢ્યાં છે.

Exit mobile version